Melo ambaji Archives - CIA Live

September 7, 2024
ambaji_temple-1280x720.jpg
1min158

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા યોજાશે.

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી. પ્રવાસન અને યાત્રાધામ સચિવ સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.’

ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.