કોરોનાના પ્રતિબંધોના કારણે છેલ્લા બે વર્ષથી મોકૂફ રાખેલી માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા આ વર્ષે ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે. યાત્રા કાઢવાની પરવાનગી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવવા છતાં તેના નક્કી કરાયેલ સમય મર્યાદા માટે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. યાત્રાનો ઉત્સાહ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી ચાલે છે, પરંતુ સમય મર્યાદાને કારણે આર્થિક આવક પર અસર પડશે, એવું વેપારીઓનું કહેવું છે.

દહાણું તાલુકાના મહાલક્ષ્મી માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત, પાલઘર, દાદરા નગર હવેલી અને નાસિક વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. હાલમાં ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. કોરોના પ્રતિબંધોને લીધે છેલ્લા બે વર્ષથી યાત્રા બંધ હોવાના કારણે મંદિર વિસ્તાર તેમ જ બહારગામથી આવેલા ફેરિયાઓએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એક બાજુ, આ વર્ષે યાત્રા શરૂ થતા વેપારીઓ ખુશ છે, તો બીજી તરફ તેની સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે.
પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરી દીધો છે. તેથી વેપારીઓ યાત્રાની સમય મર્યાદાને લઇને ચિંતિત છે કે સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે અને માલનું વેચાણ થશે કે કેમ. જો આ સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો વેપારી માટે કર્મચારીઓને પગાર અને વીજળીના બિલની ચૂકવણી કરવી પણ શક્ય બનશે નહીં. વેપારીઓ માગ કરી રહ્યા છે કે જિલ્લા વહિવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપે.