CIA ALERT

lions Archives - CIA Live

May 22, 2025
lions-1280x853.jpg
1min63

એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.

સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.

સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.

સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.

સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.

અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.