સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી કોલકાતા પહોંચ્યો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતા પહોંચ્યા હતા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની શરૂઆત કરી હતી. 14 વર્ષના લાંબા ગાળા બાદ ભારતમાં લિયોનેલ મેસ્સીના આગમનને લઈને કોલકાતામાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.
લિયોનેલ મેસ્સી મિયામી અને દુબઈ થઈને મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હોવા છતાં, તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર એકઠા થયા હતા.
મેસ્સીના ફેન્સનો ઉત્સાહ એટલો વધારે હતો કે પોલીસે ટર્મિનલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી પડી હતી. હજારો ફેન્સ લિયોનેલ મેસ્સીના નામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આર્જેન્ટિનાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. કેટલાક ફેન્સ તો બેરિકેડ પર પણ ચઢી ગયા હતા.
ટૂરના આયોજક સતાદ્રુ દત્તાએ આ ક્ષણને આનંદની ગણાવતા કહ્યું કે, ’14 વર્ષ પછી મેસ્સીની ભારત મુલાકાત ખૂબ જ આનંદની ક્ષણ છે. ભારતમાં ફૂટબોલનું જોડાણ ફરી વધી રહ્યું છે.ટ
મેસ્સીનો 13/12/25 કાર્યક્રમ
કોલકાતામાં મેસ્સીનો દિવસ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની મુખ્ય ઇવેન્ટ્સ સાથે વ્યસ્ત રહેવાનો છે. શનિવારે સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી પસંદગીના મહેમાનો માટે ખાનગી મુલાકાત અને શુભેચ્છા સમારંભ યોજાશે. તે વર્ચ્યુઅલી તેમના નામ પરથી એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે, જે કોલકાતા શહેર સાથેના તેમના ખાસ જોડાણને દર્શાવે છે.
દિવસનું મુખ્ય આકર્ષણ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની એક ફ્રેન્ડલી મેચ હશે, જેમાં હજારો દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. મેસ્સીનો પ્રવાસ એ જ સ્ટેડિયમમાં ચાહકો સાથેના વાતચીત કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટ્સની ટિકિટોની શરૂઆતની કિંમત લગભગ 4,500 રૂપિયા હતી, જે ભારે માંગને કારણે ઝડપથી વેચાઈ ગઈ હતી. કોલકાતા વર્ષોમાં તેની સૌથી મોટી ફૂટબોલ ઇવેન્ટ માટે સજ્જ થઈ રહ્યું છે.

