CIA ALERT

kumbh Archives - CIA Live

January 13, 2025
mahakumbh.png
1min154

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.

સોમવારે મહાકુંભની શરૂઆત થાય તેના બે દિવસ પહેલા જ શનિવારે 35 લાખ શ્રદ્ધાળુઓએ અહીંયા શાહી સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજમાં મહાકુંભની વ્યવસ્થાના પરિક્ષણ માટે આવ્યા હતા. 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે જેમાં શાહી સ્નાનની તારીખો પણ જાહેર કરાઇ છે જે મુજબ 13, 14 અને 29મી જાન્યુઆરીએ એટલે કે આ મહિને ત્રણ શાહી સ્નાન થશે. ફેબુ્રઆરી મહિનામાં 3, 12 અને 26 તારીખે શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ 2025 અનેક રીતે અલગ માનવામાં આવે છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝે કર્યું છે. જ્યારે જે સ્થળે મેળાવળો ભરાઇ રહ્યો છે ત્યાં જ 550 શટલ બસો ચલાવવામાં આવશે. અહીંના આયોજન સ્થળે 28 હજારથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સાફ સફાઇ માટે 15 હજાર સફાઇકર્મીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓને કોઇ અસુવિધા ના થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. જેની એક દિવસની ક્ષમતા પાંચ લાખ વાહનોના પાર્કિંગની છે. મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધા માટે 1250 કિલોમીટર લાંબી પાઇપલાઇન લગાવાઇ છે. આ ઉપરાંત ૬૭ હજાર એલઇડી લાઇટો, બે હજાર સોલર લાઇટો અને ત્રણ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા છે.

મહાકુંભનું એક મહત્વ એ પણ છે કે જે સ્થળે તે યોજાઇ રહ્યો છે ત્યાં એક કામચલાઉ મોટુ નગર ઉભુ કરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે ૫૫ પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે, સુરક્ષા માટે 45000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહાકુંભમાં 13 અખાડા ભાગ લઇ રહ્યા છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગવામાં આવી છે. ચાર રસ્તા પર કળશ મુકવામાં આવ્યા છે. આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઇ રહી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવળામાં એકઠા થવા જઇ રહ્યા છે. દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની પણ તૈયારી ચાલી રહી છે.

મુખ્ય સચિવના જણાવ્યા મુજબ 2019માં કુંભનું આયોજન કરાયું તેની સરખામણીએ મહાકુંભનું આયોજન અનેકગણુ વિશાળ છે.

આ વખતના મેળાને ૨૫ સેક્ટરમાં વિભાજીત કરાયો છે. જ્યારે ઘાટની લંબાઇ પણ વધારીને 12 કિમી કરાઇ છે જે અગાઉ આઠ કિમી હતી. એટલુ જ નહીં 2019ના કુંભ સમયે આયોજન સ્થળનો વિસ્તાર 1291 હેક્ટર હતો જે આ વખતે વધારીને 1850 હેક્ટર રખાયો છે. આ પહેલા 3500 કરોડનો ખર્ચ થયો હતો જ્યારે આ વખતે સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ માટે અલગથી આ બજેટ ફાળવવામાં આવ્યું છે.