
બાબા કેદારનાથના કપાટ આજે તા.6 મે 2022થી સામાન્ય ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે.
કોરોના કાળના બે વર્ષના વહાણા વાયા બાદ આ વર્ષે યાત્રાળુઓ માટે પહેલીવાર ચાર ધામની યાત્રાની મંજૂરી મળી છે તેથી આ વર્ષે બાબા કેદારનાથના દર્શને ભક્તોનો મહેરામણ ઊમટયો છે.
છેલ્લા અઠવાડિયાથી જ ભક્તો દેવાધિદેવના દર્શન માટે હિમાલયની તળેટીનાં સ્થળોમાં ઊમટી પડયા હોવાથી આ વર્ષે હૉટેલો, ધર્મશાળાઓ તેમ જ રહેવાનાં સ્થળોમાં જગ્યા ઓછી પડી રહી છે. દરમિયાન પરંપરા પ્રમાણે બાબા કેદારનાથની પંચમુખી સવારી આજે ગૌરી કુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઇ હતી.
બે વર્ષ બાદ બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલી હદે છે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી જતાં કેદારનાથ ધામની આસપાસની વ્યવસ્થાઓ લગભગ પડી ભાંગી છે.
ગૌરી કુંડથી કેદારનાથ ધામ સુધીના 21 કિલોમીટરના પગપાળા રસ્તામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી એટલી હદે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટયો છે. કેદારનાથ ધામની આસપાસની હૉટેલો-ધર્મશાળાઓ અને આશ્રમોમાં ઉતારા માટે જગ્યા જ નથી.
હૉટેલોમાં લોકો એક રાત માટે 10-12 હજાર રૂપિયા આપવા તૈયાર છે પરંતુ જગ્યા જ નથી. કિંમત ચૂકવવા છતાં લોકો માટે તંબૂઓમાં જગ્યા ન હોવાથી હજારો લોકો કડકડતી ઠંડીમાં રાત ગુજારવા મજબૂર છે. ખાણી-પીણીની વસ્તુઓનો પુરવઠો પણ ખૂટી પડયો છે. આટલી ભીડને ધ્યાનમાં લઇને વાહનોને સોનપ્રયાગથી આગળ જવા દેવાતા નથી. માત્ર નાનાં વાહનોને સોનપ્રયાગથી ગૌરી કુંડ’ સુધીના પાંચ કિલોમીટર સુધી વારાફરતી જવા દેવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના પગલે ચાર ધામની યાત્રા બંધ હતી તેથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે, સારા વ્યવસાયની આશા છે પરંતુ છેલ્લાં બે વર્ષમાં કુદરતી આફતોના કારણે સડકો તૂટી પડી છે તેના સમારકામ ક્યાંક ચાલી રહ્યા છે અને ક્યાંક તો શરૂ જ નથી થયા, ભેખડો, શીલાઓ ધસી પડવાની દુર્ઘટનાઓ થઇ હતી એવાં કેટલાંય સ્થળોએ પણ હજુ કામ થયાં નથી તેથી યાત્રાળુઓને પરેશાની વેઠવી પડે છે. સોનપ્રયાગ સુધી કેટલાંય સ્થળોએ આવાં કામ ચાલી રહ્યાં છે કે હજુ શરૂ જ થયા છે. ટૂંકમાં સડકો હજુ પૂરી રીતે સામાન્ય કે સુરક્ષિત નથી.
આ ઉપરાંત હાલમાં ઇંધણના ભાવ રોજ વધી રહ્યા છે તેથી ચાર ધામની યાત્રાનું ભાડું લગભગ ત્રીસ ટકા વધી ગયું છે. હરિદ્વારથી ચાર ધામની યાત્રાનાં ભાડાંમાં ત્રીસ ટકા વધારો થયાનું સ્થાનિક ટૂર અૉપરેટરોએ જણાવ્યું હતું. આ રીતે જ ટુકડે-ટુકડે જવાનાં ભાડાંમાં તો ભાડું લગભગ બે ગણું ચૂકવવું પડે છે. ખાસ તો રૂપિયા ચૂકવવા છતાંય વાહનોમાં જગ્યા જ નથી.