karnataka Archives - CIA Live

December 17, 2021
karnataka.jpeg
1min434

કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.’ ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા. 

હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો. ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, ‘રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મેં નક્કી કર્યું છે કે, હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં. તમે લોકો ચર્ચા કરો.’ 

ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, ‘એક જૂની કહેવત છે… જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો. હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.’

આ વિવાદિત ટિપ્પણી બાદ રમેશ કુમાર હવે ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે. કોંગ્રેસી ધારાસભ્ય ડો. અંજલી નિમ્બાલકરે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને સદન પાસે મહિલાઓની માફી માગવાની માગણી કરી છે. અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ જે બન્યું તે યોગ્ય નથી તેમ કહીને માફીની માગણી કરી છે. 

December 6, 2021
coronaupdate.jpg
1min368

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસનો આંકડો ભારતમાં 20ને પાર થઈ ગયો છે. આવામાં એક તરફ સ્કૂલો ખોલવામાં આવી છે ત્યારે કર્ણાટકમાં એક જ સ્કૂલમાં વિદ્યાર્થી અને સ્ટાફ મળીને 94 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. કર્ણાટકાના નરસિમ્હારાપુરામાં આવેલા સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. હવે સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફના પણ રિપોર્ટ્સ કરવામાં આવી રહ્યા છે જેથી આ ચેઈનને તોડી શકાય.

મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાં વધુ 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા નરસિમ્હારાજપુરાની કેન્દ્રીય સ્કૂલમાં કોરોનાના કુલ કેસનો આંકડો 94 પર પહોંચ્યો છે. સ્કૂલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 100ની નજીક પહોંચી જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલનો સ્ટાફ ચિંતામાં મૂકાયો છે. એક તરફ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે ત્યારે એક સાથે આટલા બધા કેસ એક જ સ્કૂલના કેમ્પસમાં આવતા કેસમાં થતો વધારો અટકાવવા માટેના જરુરી પગલા પણ ભરવામાં આવી રહ્યા છે.

એક સામટા આટલા કેસ એક જ સ્કૂલમાંથી આવતા હવે વધુ 418 લોકોના ટેસ્ટ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફનો સમાવેશ થાય છે. સ્કૂલનો કોરોનાના કેસનો આંકડો સદીની નજીક પહોંચી જતા કર્ણાટકની આ સ્કૂલને વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે નરસિમ્હારાજપુરાની સ્કૂલમાં ભણતા 59 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જે બાદ સોમવારે વધુ 35 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે. આમાં સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફ મળીને 13 લોકો થાય છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે 81 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓ એસિમ્પ્ટોમેટિક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 8,306 કેસ નોંધાયા છે, જેની સામે 8,834 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 98,416 થઈ ગયો છે. આમ એક્ટિવ કેસનો આંકડો 552 દિવસના તળિયે પહોંચી ગયો છે.