CIA ALERT

kanpur accident Archives - CIA Live

October 2, 2022
kanpur.jpg
1min364

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં 27 લોકોના મોત થયા છે. કોરથા ગામના રહેવાસી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં ફતેહપુરમાં ચંદ્રિકા દેવી મંદિરે ગયા હતા. તેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે સાઢ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાના કિનારા પર આવેલા તળાવમાં ટ્રોલી પટલી ગઈ હતી જેમાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકોને ઈજા થઈ છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. જોકે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે કોરથામાં બાળકનું મુંડન કરાવવા માટે તેના માતા-પિતા સંબંધીઓ સાથે ગયા હતા. પિતા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. મુંડન વિધી પૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ભદેઉ ગામની સામે પાણી ભરેલા તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. અડધા કલાક સુધી ટ્રોલી બહાર કાઢી શકાઈ ન હતી. બાળક, માતા અને પિતા ત્રણેયનું પણ મોત થયું હતું. આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ચાલક સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યાં પાણી ભરેલું હતું. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરી હતી કે, જનપદ કાનપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લા અધિકારી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં 11 મહિલા અને 11 બાળકો પણ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50000-50000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થયા બાદ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને પીએચસી અને કાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.