junagadh Archives - CIA Live

February 17, 2022
bhavnath.jpg
1min570

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે

 ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ (Mahashivratri) ભરાતા ભવનાથના મેળાને (Bhavnath Melo) જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી દીધી છે. આજે મળેલી જિલ્લાતંત્રની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને મેળાને મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાને કારણે ભવનાથના મેળાને મંજૂરી મળશે કે કેમ તેને લઈને આશંકા હતી. જોકે, આ વખતે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં મસમોટો ઘટાડો થયો હોવાના કારણે ભવનાથના મેળાને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગિરનાર (Girnar) પરિક્રમાને પણ છેલ્લી ઘડીએ જ મંજૂરી આપવામાં આવી હતી. ભવનાથના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. ખાસ કરીને રવેડી સરઘસના દર્શન તેમજ રાત્રે નીકળતી દિગમ્બર સાધુઓની રવેડીનું ભવનાથના મેળામાં ખાસ્સું આકર્ષણ હોય છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેળામાં આવનારા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્કના નિયમનું પાલન કરવાનું રહેશે.

સ્થાનિક તંત્રનો દાવો છે કે આ વખતે અત્યારસુધીનો સૌથી સારો મેળો યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની ઉમટી પડશે તેવી ગણતરી સાથે તેની તૈયારીમાં કોઈ કચાશ ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આજે મળેલી બેઠકમાં સાધુ-સંતો, ધારાસભ્યો તેમજ સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મેળાની તૈયારી કઈ રીતે કરવી અને કઈ-કઈ સમિતિ બનાવવી તેને લઈને ચર્ચા થઈ હતી.

25મી ફેબ્રુઆરીએ ભવનાથના મેળાની શરુઆત થઈ રહી છે, જે 01 માર્ચ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે જ પૂર્ણ થશે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે મેળાને કડક નિયમોના પાલનના શરતે જ મંજૂરી આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્યમાં સ્થિતિ અલગ છે, અને કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ હોય તેમ કેસોમાં રોજેરોજ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં કેસો ઘટતા રહે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યમાં ત્રીજી લહેર સત્તાવાર રીતે સમાપ્ત થઈ શકે છે.