ભારતના ચૂંટણી પંચે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા માંડ્યો છે. ECIએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 2014 પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે
હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે. PoK માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નહીં. જ્યારે લદ્દાખ અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા નથી. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હરિયાણામાં એક તબક્કામાં પહેલી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 4 ઑક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે .