CIA ALERT

Jharkhand election Archives - CIA Live

November 13, 2024
voting.jpg
1min114

  • પૂર્વ મુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસનાં પુત્રવધૂ, મધુ કોડાનાં પત્ની ગીતા કોડા સહિત કુલ 683 ઉમેદવારો મેદાનમાં
  • ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત
    ઝારખંડમાં આજે તા.13 નવેમ્બર 2024ના રોજ પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન સવારે 7ના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.

ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.

ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.

દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.