નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ Date 19 April 2025 મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે March 2025માં લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2025ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું. JEE મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં રાજસ્થાનના ઓમ પ્રકાશ બેહેરા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, રજિત ગુપ્તા, મોહમ્મદ અનસ, આયુષ સિંઘલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે. જ્યારે ગુજરાતના શિવેન વિકાસ તોષનીવાલ અને અદિત પ્રકાશ ભગડે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ગુજરાતમાં શિવેન વિકાસ તોસનીવાલ અને આદિત પ્રકાશ ભાગડેએ 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું.
આ વર્ષે JEE મેઈન 2025 બે રાઉન્ડમાં લેવામાં આવી હતી. જો કોઈ ઉમેદવાર બંને સત્રોમાં હાજર રહ્યો હોય, તો અંતિમ મેરિટ યાદી તૈયાર કરતી વખતે JEE મેઇનમાં ઉમેદવારના શ્રેષ્ઠ સ્કોરને ધ્યાનમાં લેવામાં આવશે. આ વર્ષે પરીક્ષામાં કુલ 9,92,350 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,81,871 મહિલા ઉમેદવારો અને 3,10,479 પુરુષ વિદ્યાર્થીઓ હતા.
પહેલા સત્રમાં 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. 24 ઉમેદવારોમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશનો છે. 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો સામાન્ય શ્રેણીના છે. ત્યાં જ, EWS, OBC (નોન-ક્રીમી લેયર), SC શ્રેણીમાંથી એક-એક ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.
JEE Mains Paper 1 બન્ને ફેઝની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે અને હવે કોમન રેન્ક લિસ્ટ બહાર પડી રહ્યું છે. કોમન રેન્ક લિસ્ટને જોતા 97.50 પર્સન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીને એડમિશન મળશે પરંતુ, તેણે કેમ્પસ અથવા તો બ્રાન્ચને કોમ્પ્રોમાઇસ કરવી પડશે. 97.50 પર્સન્ટાઇલ રેન્ક ધરાવતા વિદ્યાર્થીને કોમન રેન્ક લિસ્ટમાં 45થી 50 હજાર વચ્ચે રેન્ક આવશે. તેની સામે આઇઆઇટી, એનઆઇટી, ત્રિપલ આઇટી વગેરેની કુલ સીટોની સંખ્યા 48 હજાર જેટલી છે. આવી સ્થિતિમાં 97.50 પ્લસ પર્સન્ટાઇલ માર્ક હોવા છતાં પણ પ્રવેશાર્થીને પસંદગીની કોલેજ અથવા તો બ્રાન્ચ મળવાની નથી.
ગુજરાતી વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગુજરાતી વિદ્યાર્થીઓ ઘણુંખરું ગુજરાતની બહાર અભ્યાસ કરવા માટે જતા નથી. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સ પરીક્ષાની ઉપયોગીતા તેમના માટે રહેતી નથી આમ છતાં ધો.11-12માં દરમિયાન આખું વર્ષ જેઇઇ મેઇન્સ પાછળ સમય, શક્તિ, નાણાં અને મગજ શું કામ બગાડતા હશે એ બાબતે શિક્ષણશાસ્ત્રીઓ માથું ખંજવાળી રહ્યા છે. જે વિદ્યાર્થીએ ધો.11માં જેઇઇ મેઇન્સનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હોય અને ધો.11માં ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં તેને એ બાબત સમજાય જતી હોય છે કે તે 92 પ્લસ પર્સન્ટાઇલમાં પરફોર્મ કરી શક્તો નથી, આમ છતાં વાસ્તવિકતાને સ્વીકાર્યા વગર, વાસ્તવિક ક્ષમતાને નજરઅંદાજ કરીને જેઇઇ મેઇન્સ પાછળ મહેનત કરે છે અને જ્યારે પરીણામ આવે ત્યારે 97.50 પર્સન્ટાઇલ જેટલા ઉંચા માર્ક ન આવે ત્યારે ફરીથી ગુજરાતમાં જ ગુજકેટ અને બોર્ડના આધારે પ્રવેશ લેવાની ફરજ પડે છે. ભવિષ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વાત સમજવા જેવી છે. જેઇઇ મેઇન્સ બધા માટે નથી હોતી અને જેઇઇ મેઇન્સ બધું નથી હોતી.