
માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતા નાનકડા ટાબરીયા જૈવલ વિપિન સોહલે એક અકલ્પ્ય રેકોર્ડ સ્થાપી દીધો છે. શહેરના કેનાલ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતા જૈવલ વિપિન સોહલે 1 મિનિટને 34 સેકન્ડમાં 50 દેશોના નેશનલ ફ્લેગ (રાષ્ટ્રધ્વજ) ઓળખી બતાવતા આ પ્રતિયોગિતા નિહાળનારા તેમજ હવે આ સમાચાર જોઇ રહેલા, વાંચી રહેલા લાખો લોકો અચંબામાં પડી રહ્યા છે.
4 વર્ષની ઉંમરનું બાળક માંડ 1થી 20ના આંકડા કે આલ્ફાબેટની પાપા પગલી ભરી શકતા હોય એ ઉંમરે સામાન્ય માણસે નામ ન સાંભળ્યું હોય એવા દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવવા એ અદ્વિતીય અને વિરલ સિદ્ધી છે અને તેના માટે તેને રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે.
જૈવલ વિપિન સોહલે 50 દેશોના રાષ્ટ્રધ્વજ ઓળખી બતાવવામાં માત્ર 94 સેકન્ડ એટલે કે એક રાષ્ટ્રધ્વજ ઓળખવામાં બે સેકન્ડથી પણ ઓછો સમય લીધો છે. આ એક અદ્વિતીય સિદ્ધિ છે
જૈવલના મધર જુહી અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડઝમાં જૈવલનો 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવતો વિડીયો અપલોડ કરી શકાય. જેથી તેમણે જૈવલનો વિડીયો અપલોડ કર્યો હતો જેને એપ્રુવલ આપ્યા બાદ વર્લ્ડ વાઇડ બુક્સ ઓફ રેકોર્ડઝ તરફથી સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું છે.