
એશિયા કપની બહુચર્ચિત મૅચમાં પાકિસ્તાને યજમાન યુએઇને હરાવીને સુપર-ફોરમાં પ્રવેશ કર્યો હતો. એ સાથે, આગામી રવિવારે 21/09/25 ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર થશે અને કોણ જાણે કેવા નવા વિવાદો સર્જાશે. યુએઇની ટીમ 147 રનના નાના છતાં પડકારરૂપ લક્ષ્યાંક સામે 17.4 ઓવરમાં 105 રનમાં આઉટ થઈ ગઈ હતી. યુએઇની 85 રનમાં ચાર વિકેટ હતી, પણ પછીથી પત્તાનાં મહેલની જેમ બૅટિંગ લાઇન-અપ તૂટી પડી હતી.
એ પહેલાં, પાકિસ્તાને બૅટિંગ મળ્યા બાદ પાંચમા જ બૉલમાં ઓપનર સઇમ અયુબની વિકેટ ગુમાવી દીધી હતી. ડુ ઑર ડાય જેવા આ મુકાબલામાં પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટે 146 રન કર્યા હતા.
પાકિસ્તાને ખરાબ શરૂઆત કર્યા બાદ એક તબક્કે 93 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી પૂંછડિયાઓની ફટકાબાજીને લીધે યુએઇને 147 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.
ફખર ઝમાનના 50 રન બાદ ખાસ કરીને શાહીન શાહ આફ્રિદીએ 14 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 29 રન કર્યા હતા. યુએઇના જુનૈદ સિદ્દીકીએ ચાર, સિમરનજિતે ત્રણ અને ધ્રુવ પરાશરે એક વિકેટ લીધી હતી.
18/9/25 (ગુરુવારે) અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે.

