દેશની કુલ વસતિના પ્રમાણમાં કોરોનાની વૅક્સિનના બંને ડૉઝ લેનારાઓની સંખ્યાને મામલે ૩૧ ઑક્ટોબર ૨૦૨૧ના ભારત વિશ્ર્વમાં ૧૭મા સ્થાને હોવાનું આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ભારતી પ્રવિણ પવારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું.
લોકસભામાં એક લેખિત પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ૮ ડિસેમ્બરના રોજ દેશના પુખ્તવયના અંદાજે ૯૩.૯ કરોડ લોકોમાંથી લગભગ ૧૩.૩ કરોડ લોકોએ વૅક્સિનનો પ્રથમ ડૉઝ પણ નહોતો લીધો.
વૅક્સિનનો પ્રથમ ડૉઝ લેનારાં ૩૩.૬ કરોડ લોકોમાં ૧૭.૨ કરોડ પુરુષ અને ૧૬.૪ કરોડ મહિલાનો સમાવેશ થતો હતો.
નાન્યતર જાતિના ૯૦,૦૦૦ લોકોએ હજુ વૅક્સિનનો બીજો ડૉઝ નથી લીધો.
વૅક્સિનના બંને ડૉઝ લીધો હોય તેવા પાંચ કરોડ કરતા વધુ વસતિ ધરાવતા મુખ્ય ૧૦ દેશમાં દક્ષિણ કોરિયા, જાપાન, ઈટલી, ફ્રાન્સ, યુકે, જર્મની, યુએસએ, તુર્કી, બ્રાઝિલ અને મૅક્સિકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
પુખ્તવયની વૅક્સિનને લેવા પાત્ર કુલ વસતિમાંથી ૫૩ ટકા લોકોએ બંને ડૉઝ લઈ લીધા હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યો અને કેન્દ્રશાતિ પ્રદેશોને વૅક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.