રેલવેએ દેશભરની 130 મેઈલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ શ્રેણીઓના ભાડામાં વધારો કરી દીધો છે. જેમાં ટ્રેનની એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ વ્યક્તિ, એસી-2,3, ચેર કારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આ પ્રકારે યાત્રીઓને એક પીએનઆર (છ યાત્રી)ના બુકિંગમાં એસી 1માં 450 રૂપિયા, એસી 2-3માં 270 રૂપિયા અને સ્લીપરમાં 180 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા પહેલી ઓક્ટોબરથી શરૂ કરી દેવામાં આવી છે.
જો કે આ તમામ ટ્રેનોમાં ભોજન, યાત્રી સુરક્ષા અથવા સુવિધામાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ કરવામાં આવી નથી. રેલ નિયમ મુજબ 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપથી દોડતી ટ્રેનોને ટાઈમ ટેબલમાં સુપરફાસ્ટ કહેવામાં આવે છે. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ભારતીય રેલ 45 વર્ષથી ટ્રેનની સરેરાશ ઝડપ વધારવામાં નિષ્ફળ રહી છે. જેમાં ચાર દશકથી મેલ એક્સપ્રેસ ટ્રેનની સરેરાશ ઝડપ 50થી 58 કિ.મી. પ્રતિકલાક રહી છે. જ્યારે રેલવેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનની ઝડપ 70-85 કિ.મી. પ્રતિકલાકની છે. 15-20 ટ્રેનો ક્યારે નિર્ધારિત સમયે ગંતવ્ય સ્થાને પહોંચતી નથી.
60 ટકા ટ્રેન 15-20 મિનિટ વિલંબથી પહોંચે છે.’ રેલવેના નવા ટાઈમ ટેબલમાં 2022-23મા મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ એક્સપ્રેસ ગણવામાં આવી છે. જેનો સીધો અર્થ એવો થાય છે કે દૈનિક યાત્રી આ ટ્રેનમાં સફર કરી શકશે નહીં કારણ કે તેનું ભાડું વધારે હોય છે.