
અત્યાર સુધી ડોર્નિયરનો ઉપયોગ સેના માટે જ થતો હતો, ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલના પાસીઘાટની વચ્ચે સંચાલિત થશે
કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તા.11મી એપ્રિલ 2022ના રોજ જણાવ્યું હતું કે ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ડિબ્રુગઢથી પાસીઘાટની વચ્ચે તા.12મી એપ્રિલ 2022થી કમર્શિયલ ફલાઇટ માટે કરવામાં આવશે. ભારતમાં બનેલા ડોર્નિયર પ્લેનનો સૌથી પહેલી વખત નાગરીક ઉડ્ડયન માટે ઉપયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે.
અલાયન્સ એરને આ ડોર્નિયર વિમાન ગયા સપ્તાહમાં જ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) પાસેથી મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અલાયન્સ એરે ૧૭ સીટોવાળા બે ડોર્નિયર ૨૨૮ વિમાનોને લીઝ પર લેવા માટે ફેબ્રુઆરી 2022માં એચએએલ સાથે સમજૂતી કરી હતી.
એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ડોર્નિયર વિમાનની પ્રથમ કોમર્શિયલ ફલાઇટ આસામના ડિબૂ્રગઢથી અરૃણાચલ પ્રદેશના પાસીઘાટની વચ્ચે મંગળવારે સંચાલિત કરવામાં આવશે.
દેશમાં જ નિર્મિત કોઇ વિમાનનો કોમર્શિયલ ફલાઇટ તરીકે ઉપયોગ કરવાની આ પ્રથમ ઘટના હશે.અત્યાર સુધી ડોર્નિયર ૨૨૮ વિમાનનો ઉપયોગ ફક્ત સૈન્ય ઉદ્દેશ માટે કરવામાં આવે છે. આ ફલાઇટના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, અરૃણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, આસામના મુખ્યપ્રધાન હિમાંત બિશ્વા શર્મા હાજર રહેશે.
