
ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે અહીંના એમ. ચિદબંરમ સ્ટેડિયમ પર શનિવારથી ડે-નાઇટ ટેસ્ટ મેચ શરૂ થશે. પિન્ક બોલથી રમાનાર બીજા ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ સખત નેટ પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના અભ્યાસ સત્ર દરમિયાનના કેટલાક ફોટો બીસીસીઆઇએ આજે ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે કોચ રાહુલ દ્રવિડનાં માર્ગદર્શનમાં ખેલાડી સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. પહેલા ટેસ્ટમાં શ્રીલંકા સામેની એક દાવ અને 222 રનની મહાજીત બાદ ટીમ ઇન્ડિયા ડે-નાઇટ ટેસ્ટમાં પણ વધુ એક મહાવિજયનો વિશ્વાસ ધરાવે છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકાનો 2-0થી ક્લીનસ્વીપ કરવા ઉત્સુક છે. ભારતીય ઇલેવનમાં જયંત યાદવનાં સ્થાને અક્ષર પટેલની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે.
બીજા ટેસ્ટ દરમિયાન ફરી એકવાર તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તે પાછલા 27 મહિનાથી સદીથી વંચિત છે. ખાસ વાત એ છે કે તેણે છેલ્લી ઇન્ટરનેશનલ સદી બાંગલાદેશ વિરુદ્ધ 2019માં કોલકતામાં ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન જ ફટકારી હતી. આથી ચાહકોને આશા છે કે કોહલી ફરી ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકાશે.