ભારતની ક્રિકેટ ટીમ આજે રવિવાર તા.2 ઓક્ટોબરના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિજય અભિયાન જારી રાખીને શ્રેણીમાં અજેય બઢત મેળવવાની કોશિશ કરવામાં આવશે.
બુમરાહની ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં થનારા ટી-20 વિશ્વકપમાં મહત્ત્વની હતી. જો કે ઝડપી બોલર પીઠની પરેશાનીના કારણે વિશ્વકપમાં રમી શકશે કે નહીં તેના ઉપર પ્રશ્નાર્થ છે.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનું આયોજન વિશ્વકપ પહેલા ટીમની તૈયારીને અંતિમ રૂપ આપવા માટે છે. જો કે બુમરાહની ગેરહાજરીએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સામે ઘણા સવાલ ઉભા કરી દીધા છે. મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ બન્ને વિશ્વકપની ટીમમાં સામેલ નથી. સૌથી મોટો સવાલ એ છે કે બુમરાહના સ્થાને અન્ય બોલરને અજમાવવાનો પર્યાપ્ત સમય મળી રહેશે કે નહીં.
વિશ્વકપના સ્ટેન્ડબાયમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનાથી બહાર આવી રહ્યો છે અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો હિસ્સો નથી. તેને ઓસ્ટ્રેલિયા જતી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. કારણ કે તેને ઓસ્ટ્રેલિયામાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ભારત પાસે દીપક ચાહર છે. જે વિશ્વકપ માટે સ્ટેન્ડબાય છે. બીજી તરફ અર્શદીપ સિંહ પણ ફોર્મમાં છે. ભારતીય ટીમ માટે મહત્ત્વની વાત એ છે કે સ્પીન વિભાગમાં અત્યારે કોઈ પરેશાની જોવા મળી રહી નથી. જાડેજા બહાર થયા બાદ ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગમાં કોહલી સહિતના ખેલાડીઓ સારા ફોર્મમાં છે.’ કેએલ રાહુલ પણ રન બનાવી રહ્યો છે. પહેલા મેચમાં તેણે અર્ધસદી પણ કરી છે.
મધ્યક્રમમાં ઋષભ પંત અને દિનેશ કાર્તિકને પૂરતી તક મળી નથી. પંતને એશિયા કપમાંથી પરત ફર્યા બાદ બેટિંગની તક નથી મળી. જ્યારે કાર્તિકે છેલ્લા સાત મેચમાં માત્ર નવ બોલનો સામનો કર્યો છે. જ્યાં સુધી શ્રેણીની વાત છે તો ભારત દક્ષિણ આફિકા સામે દેશમાં જ પહેલી શ્રેણી જીતવાની કોશિશ કરશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ટી20 વિશ્વકપમાં હજી સુધી અપેક્ષિત રમત બતાવી શકી નથી. તેણે અંતિમ વખત 2016મા સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે ગયા વર્ષે નોકઆઉટમાં પણ પ્રવેશ કરી શકી નહોતી. કગિસો રબાડા અને એનરિક નોર્કિયાના રૂપમાં આફ્રિકા પાસે બે સારા બોલર છે. જો કે તેમાં સટીકતા જોવા મળી રહી નથી. આ ઉપરાંત આફ્રિકાના બેટરોએ પણ સારુ પ્રદર્શન કરવું પડશે. જે ગયા મેચમાં નિષ્ફળ રહ્યા હતા.