૨૦૧૧માં આઇપીએલની શરૂઆત થયા બાદ પ્રથમ વાર એવું બનશે જ્યારે ૧૦ ટીમો ટી-૨૦ સ્પર્ઘા માટે મેદાનમાં ઉતરશે. દર વખતની આઠ ટીમોમાં આ વખતે લખનઊ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સનો ઉમેરો થશે. ૧.૭ અબજ યુએસ ડૉલરનો નાણાકીય વ્યવહાર ધરાવતી આ ટુર્નામેન્ટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બની ગઇ છે.
કોવિડને કારણે સર્જાયેલ પરિસ્થિતિ બે વર્ષે કાબુમાં આવતા હવે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોના કલબલાટ વચ્ચે મૅચો રમવાનો આનંદ જ કંઇ ઓર હશે. જોકે, સાવચેતીના પગલારૂપે સ્ટેડિયમની ક્ષમતા હોય તેના ૨૫ ટકાને જ તેમાં પ્રવેશ મળશે. નવી ટીમના આગમન સાથે અગાઉ ૬૦ મૅચો રમાતી હતી એમાં ઉમેરો થઇને હવે ૭૪ મૅચો રમાશે. પૂરા બે મહિના આ મૅચો રમાતી રહેશે.
ગયા વર્ષે કોવિડ-૧૯ના કારણે મૅચો પડતી મૂકવી પડી હતી અને ચાર મહિના બાદ યુએઇમાં જઇને
પૂર્ણ કરવી પડી હતી તેવું આ વખતે નહીં થાય. બધી મૅચો મહારાષ્ટ્રના ચાર ગ્રાઉન્ડોમાં જ રમાશે. આ ગ્રાઉન્ડ્સમાં મુંબઇના ત્રણ અને પુણેના એક ગ્રાઉન્ડ્સનો સમાવેશ થાય છે. આમ કરવાથી લાંબી હવાઇ યાત્રાઓ ટાળી શકાશે. રોહિત શર્માની કૅપ્ટેન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્ષોથી આ બધા ગ્રાઉન્ડ્સ હોમપીચ સમાન છે તો શું તેમને તેનો માનસિક લાભ મળશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે.
આઇપીએલ બાદ ઑસ્ટ્રેલિયામાં વર્લ્ડકપ રમાવાનો હોવાથી ઘણા ભારતીય ખેલાડીઓનું ભાગ્ય પણ આ ટુર્નામેન્ટ દરમ્યાન ઘડાશે.
ભારતીય ટીમને અત્યાર સુધી મળેલા અવ્વલ ખેલાડીઓમાંના એક અને વિકેટકીપર કમ બૅટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આ વખતે માત્ર ખેલાડીની રૂએ રમશે. ચેન્નઇ સુપર કિંગ્સની કૅપ્ટન્સી રવીન્દ્ર જાડેજાને સોંપાઇ છે જે ધોનીના માર્ગદર્શન હેઠળ સુકાની તરીકે ઘડાશે. ઉલ્લેખનીય છે કે ૧૫ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૪૦ વર્ષીય ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ તેના માટે ફેરવેલ ટુર્નામેન્ટ બની રહે તો નવાઇ નહીં.
ઐયર, કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાને કપ્તાન તરીકે કાબેલિયત બતાવવાની તક

દિલ્હી કેપિટલ્સને પ્રથમ વાર ફાઇનલમાં લઇ જનાર ઐયરને ખભામાં ઇજા થયા પછી બાજુ પર મૂકી દેવાયો હતો. તેણે ફરી ઑક્શનમાં જવાનું નક્કી કરતાં તેને કોલકતા નાઇટ રાઇડર્સ દ્વારા ખરીદી લેવાયો હતો. તાજેતરમાં તેણે ટીમ ઇન્ડિયા વતી રમીને સારું પ્રદર્શન કર્યું છે.
ટીમ ઇન્ડિયામાં ઐયરનો સાથીદાર રહી ચૂકેલા હાર્દિક પંડ્યા ઘૂંટણની ઇજાને કારણે નિયમિત રીતે બૉલિંગ કરી શકતો ન હતો જેને લીધે ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું, પરંતુ હવે સૌપ્રથમ વાર મેદાનમાં ઉતરનાર ‘ગુજરાત ટાઇટન્સ’ના સુકાનીપદે રહીને તેણે પોતાને સાબિત કરવો પડશે.
ગુજરાત ટાઇટન્સની જેમ લખનઊ સુપર જાયન્ટ્સ પણ પ્રથમવાર મેદાનમાં ઊતરશે જેનું સુકાનીપદ કે. એલ. રાહુલ સંભાળશે જોઇએ તે કેવું કાઠું કાઢે છે.