CIA ALERT

ICC મહિલા વર્લ્ડ કપ 2025 Archives - CIA Live

October 31, 2025
image-19.png
1min79

ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.

પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.

જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.

વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)

127* રન – જેમિમા રોડ્રિગ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
97 રન – ગૌતમ ગંભીર વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
91* રન – એમએસ ધોની વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011
89 રન – હરમનપ્રીત કૌર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025
હરમનપ્રીત અને જેમીમાએ બનાવ્યો નવો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.

ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.

મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા

પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’