ICC Archives - CIA Live

August 27, 2024
jay-shah.png
1min141

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.