Hindu Chaturmas Archives - CIA Live

July 8, 2022
hindu_chaturmas.jpg
1min438

આગામી ૧૦ જુલાઇના અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. હિંદુ ચાતુર્માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની હેલી સર્જાશે. હવે આગામી ૮, ૯ જુલાઇના લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. હિંદુ ચાતુર્માસ સાથે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આગામી ચાર નવેમ્બરના કારતક સુદ એકાદશી સાથે ચાતુર્માસની પૂર્ણાહૂતિ થશે. 

હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ  કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. હવે ૯ જુલાઇ બાદ નવેમ્બરમાં ૨૫-૨૬-૨૭-૨૮ જ્યારે ડિસેમ્બરમાં ૨-૩-૭-૯-૧૩-૧૪ના લગ્ન માટેના શુભ મુહૂર્ત આવશે. આમ, વર્ષ ૨૦૨૨માં હવે લગ્ન માટેના કુલ માત્ર ૧૨ શુભ મુહૂર્ત છે.

અ ષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને હિન્દુ ધર્મમાં સૌ ચાતુર્માસ તરીકે ઉજવે છે. આ ચાતુર્માસ દરમ્યાન અનેક તહેવારો- ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ચાતુર્માસમાં મંદિરોમાં દર્શન- ભજન- કથા- કીર્તન- અભિષેક- આદિ કાર્યક્રમો યોજાય છે અને અનેક ભક્તો ભક્તિનાપૂરમાં રસતરબોળ બને છે.

કુમકુ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વતિની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરવા એ હિતાવહ માનવામાં આવે છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં હોય છે.’