
ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ સમેત ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં અતિશય ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને પગલે આગામી તા.9મી જાન્યુઆરી 2022ને સોમવારથી સોલા રોડ, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટમાં દરેકે દરેક કેસોની ફિઝિકલ સુનવણી બંધ કરનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી સોમવારથી દરેક કેસોની વર્ચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. હાઇકોર્ટ પરિસરમાં આવેલી વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.
અગાઉ કોરોનાના કારણે જ 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.