CIA ALERT

Heavy rain in North India states Archives - CIA Live

May 24, 2022
kedarnath.jpg
1min617

ભારે ગરમી વચ્ચે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી લોકોને ભારે રાહત થઇ હતી. સોમવારે દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સામાં વરસાદ પડયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ દિલ્હીમાં પડવાથી નીચા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. બીજી તરફ કેટલાક રાજ્યોમાં હજુ પણ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 

જેમ કે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તાપમાન ૪૫.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ આગામી પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે દેશના અન્ય કોઇ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહીં રહે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સોમવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં ૯ સેમી, ગુરુગ્રામમાં ૭ સેમી, દિલ્હીમાં ૫ સેમી વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું. 

દિલ્હીમાં સોમવારે પવન સાથે વરસાદ પડયો હતો જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. સવારે જ પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે વૃક્ષો પડી જવાથી નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પવન સાથે વરસાદ પડવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વિજળી જતી રહી હતી. જ્યારે જવલપુરી, ગોકલપુરી, શંકર રોડ અને મોતી નગરમાં મકાનો પડી જવાથી આઠ લોકો ઘવાયા હતા. 

વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.  દિલ્હીમાં હવામાને અચાનક પલટો મારતા ૪૦ જેટલી ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને પોતાની ફ્લાઇટની જાણકારી મેળવ્યા પછી જ એરપોર્ટ આવવાની સુચના જારી કરવી પડી હતી.   બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદ પડયો હતો, જેને પગલે કેદારનાથ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને જ્યારે હવામાન સાફ થઇ જાય પછી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વરસાદને પગલે પંજાબથી અન્ય રાજ્યોમાં લઇ જવાતા ચોખાના ૧૫ હજાર બોરા પલળી ગયા હતા. જેને પગલે ચોખા બગડી ગયા હતા અને ગરીબોને મળનારા પંજાબના ચોખા બરબાદ થઇ ગયા હતા. જ્યારે અનેક ખેડૂતોએ ખુલ્લામાં મુકેલું અનાજ અને શાકભાજી પલળી ગયા હતા. ખાસ કરીને ચણા, મગફળી, મટર તેમજ અન્ય કઠોળ પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશના સાતના જિલ્લામાં મૈહાર હિલ સ્ટેશન પર રોપવેને ભારે વરસાદ અને પવનને પગલે અટકાવી દેવો પડયો હતો જેથી ૨૮ લોકો અધવચ્ચે જ અટવાઇ ગયા હતા.