રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.
સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.