ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ પર હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયા અન્વયે યોજાયેલી લેખિત પરીક્ષાનું પેપર લીક થયું હતું.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા રદ ગણવાની જાહેરાત તા.21મી ડિસેમ્બર 2021ના રોજ બપોરે ગાંધીનગર ખાતે કરી છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે. જે ઉમેદવારોની નિર્ધારિત વય હવે પછી વધી ગઇ હશે તો પણ તેમને પરીક્ષા આપવા માટે લાયક ગણાવાશે. એટલું જ નહીં પણ જે ઉમેદવારોનું સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન થયું છે એ તમામ હવે પછીની પરીક્ષા માટે લાયક ગણાશે.
12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.