દેશભરના ટ્રેડરોને રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની

ભારતમાં શેર બજારોમાં વાયદાના વેપાર એટલે કે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનોમાં રમનારા ટ્રેડરો ખુવાર થઈ રહ્યા હોવાના અને દેશભરમાં ટ્રેડરોએ કુલ રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની વેઠી હોવાના સેબીના તાજેતરના રિપોર્ટમાં વધુ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ કુલ નુકશાનીમાંથી ગુજરાતના જ ૧૦.૧ લાખ ટ્રેડરોએ રૂ.૮૮૮૮ કરોડની જંગી નુકશાની નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં કરી છે.
સેબીના ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મન્ટ (નાણા વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪)માં નફા-નુકશાનીના આકલન પરના રિપોર્ટના આંકડા વધુ દર્શાવે છે કે, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતભરના ૮૬.૨૬ લાખ ટ્રેડરોએ એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રૂ.૭૫,૦૦૦ કરોડની ખોટ કરી છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં એફ એન્ડ ઓ ટ્રેડરોમાંથી અડધાથી વધુ તો ચાર રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના રહ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૮.૮ લાખ ટ્રેડરો (૨૧.૭ ટકા), ગુજરાતમાં ૧૦.૧ લાખ ટ્રેડરો (૧૧.૬ ટકા), ઉત્તર પ્રદેશમાં ૯.૩ લાખ ટ્રેડરો (૧૦.૭ ટકા) અને રાજસ્થાનમાં ૫.૪ લાખ ટ્રેડરો (૬.૨ ટકા) ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં છે.
ગુજરાતમાં એફ એન્ડ ઓ ટ્રેડરોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.૮૮,૦૦૦ નુકશાની કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ.૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાં રૂ.૭૩,૦૦૦ અને રાજસ્થાનમાં રૂ.૮૩,૦૦૦ની સરેરાશ વ્યક્તિદીઠ નુકશાની થઈ છે.
સેબીના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના ટ્રેડરોએ રૂ.૧૩,૯૧૨ કરોડ ગુમાવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ટ્રેડરોએ રૂ.૬૭૮૯ કરોડની નુકશાની કરી છે. દેશભરના મળીને ૧.૮૧ કરોડ ટ્રેડરોએ કુલ મળીને એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન રૂ.૧.૮૧ લાખ કરોડની નુકશાની કરી છે.