
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70 થી 100 ટકા, 36 ડેમ 50 થી 70 ટકા, 30 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.