રવિવાર 25/08/24 સાંજથી ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો, જે સોમવારે પણ ચાલુ રહેવા પામ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાં પામ્યાં હતાં, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. જેના કારણે શહેરની ઉપર ફરી એક વખત પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.
સુરત અને નવસારીમાં પણ અતિભારે વરસાદના અહેવાલ છે.
રાજકોટમાં ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દ્વારા ‘ધરોહર લોકમેળા’માં ભરાઈ ગયેલા પાણીને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ તેની ઉપર પાણી ફરી વળ્યું હતું.
જામનગરમાં વરસાદના તાજેતરના રાઉન્ડથી શહેરને પીવાનું પાણી પૂરું પાડતા રણજીતસાગર સહિત 15 ડૅમ ઑવરફ્લૉ થયા છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ નાગરિકોને કૉઝ-વે તથા પાણીનું ઑવરટૉપિંગ થતું હોય તેવા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરી છે. જિલ્લા તંત્ર દ્વારા વરસાદને પગલે ઍલર્ટ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના મૂળી તથા ચોટિલા તાલુકામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટુકડી સુરેન્દ્રનગર પહોંચી છે. જેને સ્ટૅન્ડ-બાયનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાયલા તથા આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડતો થોરિયાળી ડૅમ ભરાવાની અણિ પર છે. વઢવાણને પાણી પૂરું પાડતો ધોળીધજા ડૅમ પણ છલકાવવા પર છે.
મહીસાગર જિલ્લામાં કડાણા ડૅમ છલકાયો છે, જેના કારણે ડૅમના દરવાજા ખોલવાની જરૂર હોય, નીચાણવાળા 40 ગામોને સાવચેતી રાખવા તાકિદ કરવામાં આવી છે.
અમરેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેતી જાળવવા અપીલ કરી છે. આ સિવાય એનડીઆરએફની એક ટીમ અહીં પહોંચી છે. જાફરાબાદ, શિયાળ બેટ, ધારાબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, તથા ભારે પવનની સંભાવનાને જોતાં દરિયામાં ગયેલા માછીમારોને પણ પરત ફરવા માટે તાકિદ કરવામાં આવી છે.
બોટાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય અરવલ્લીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં 1,653 લોકોનું રૅસ્ક્યૂ
ગુજરાતમાં અત્યારસુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,653 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ કાર્યરત્ છે.
સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મિલી એટલે કે છ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજ્યના માહિતીખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સિઝનનો સરેરાશ 91.88 ટકા વરસાદ પડી ગયો છે. રાજ્યનાં 206 જળાશયોમાંથી 59 જળાશયો ભરાઈ ગયાં છે. 72 જળાશયો હાઇ ઍલર્ટ પર અને 22 જળાશયો ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
સમગ્ર રાજ્યમાં 7,009 ગામોનો વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો તે પૈકી 6,977 ગામોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.
શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્ય મંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.
અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.
સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં આવેલા ઘવાણા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં અને એક ટ્રેકટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા હતા.
મોરબીના ઘવાણા ગામ નજીક એક ટ્રેક્ટરની ટ્રૉલી પલટી જતાં 17 લોકો ફસાયા છે અને તેમને બચાવવા માટે સર્ચ અને રૅસક્યુ ઑપરેશન ચાલી રહ્યું છે.”
આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં મોરબીના કલેકટર કેબી ઝવેરીએ માહિતી આપતા કહ્યું, “અતિભારે વરસાદને કારણે કૉઝવે પરથી ભારે પ્રમાણામાં પાણી વહી રહ્યું હતું. આ સમયે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું અને પાણીના ભારે વહેણને કારણે ટ્રેક્ટરની ટ્રૉલી પલટી હતી. આ ટ્રૉલીમાં લગભગ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અમે સ્ટેટ ડિઝાસ્ટર રીલિફ ફોર્સને મદદ માટે બોલાવી છે. અમે અત્યાર સુધી 10 લોકોનો જીવ બચાવ્યો છે. અમે બાકીના લોકોને પણ બચાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ.”
કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાત વેધરની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, રાજ્યના લગભગ 140 તાલુકામાં રવિવારે એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના જ કપરડા અને પારડી તાલુકામાં 12-12 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઉકાઇ ડેમનાં ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ડેમના 15 દરવાજાને લગભગ 10 ફૂટ ખોલવામાં આવ્યાં છે.
સુરતના ઉમરપાડા તાલુકામાં પણ લગભગ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં લગભગ 11 ઇંચ, વલસાડના ધરમપુર તાલુકામાં નવ ઇંચ અને મહેસાણાના વિજાપુર તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત ગીર-સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, રાજકોટ, દાહોદ, મહેસાણા, નર્મદા, પોરબંદર અને પંચમહાલ જીલ્લાનાં કેટલાક તાલુકાઓમાં બેથી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે સિસ્ટમ અરબી સમુદ્રમાં દૂર ના જતી રહે ત્યાં સુધી વરસાદ પડવાની સંભાવના છે.
હાલ પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જે સિસ્ટમ આગળ વધતાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનું જોર વધશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલની સ્થિતિ પ્રમાણે ચાર દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં પણ આજથી વરસાદનું પ્રમાણ વધશે.
27થી 29 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.