
કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.
અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.
માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.
મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.

