Grishma Murder case Archives - CIA Live

May 5, 2022
fenil.jpg
1min654

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.