
અન્ય રાજ્યોમાંથી પ્રવેશ કરતા વાહનો પર ઉત્તરાખંડ સરકારે ગ્રીન ટેક્સ નાખ્યો છે. નાના વાહનો પર ૮૦ રૂપિયા જ્યારે ટ્રક જેવા હેવી વાહનો પર ૭૦૦ રૂપિયા ગ્રીન ટેક્સ લાગશે. રાજ્યના સરહદી વિસ્તારોમાં આશરે ૩૭ જેટલા કેમેરા લગાવાયા છે. જે વાહનોની અવરજવર પર નજર રાખશે. કેમેરા દ્વારા મેળવાયેલા ડેટા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પહોંચાડાશે. જે બાદ ઓટોમેટિક સિસ્ટમથી ટેક્સ વસુલી લેવાશે.
આ ડિસેમ્બર મહિનાથી ઉત્તરાખંડમાં પ્રવેશ કરનારા અન્ય રાજ્યના વાહનો પર ગ્રીન સેસ કે ટેક્સ લાગશે, પર્યાવરણને ધ્યાનમા ંરાખીને રાજ્ય સરકાર દ્વારા આ વસૂલાત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં બહારથી હજારો વાહનો આવતા જતા હોય છે. જોકે હવે બહારના આ વાહનો પર રૂપિયા ૮૦થી ૭૦૦ સુધી ટેક્સ લાગશે. કાર જેવા નાના વાહનો પર ૮૦ રૂપિયા, નાના માલ વાહક વાહન પર ૨૫૦ રૂપિયા, બસો પર ૧૪૦ રૂપિયા અને ટ્રકો પર વજન મુજબ ૧૨૦થી ૭૦૦ રૂપિયા સુધીનો આ ગ્રીન સેસ લાગશે.
જે પણ વાહનો ઉત્તરાખંડ રાજ્યમાં જ નોંધાયેલા હશે તેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી દેવાશે જ્યારે ઉત્તરાખંડ બહાર નોંધાયેલા વાહનોને કેમેરામાં કેદ કરીને સોફ્ટવેરની મદદથી એનપીસીઆઇ ડેટાબેઝમાં મોકલવામાં આવશે. જ્યાંથી આપમેળે જ ફાસ્ટેગથી ઓટોમેટિક આ ટેક્સ કપાઇ જશે. આશરે ૩૭ જેટલા સ્થળો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકગ્નિશન (એએનપીઆર) કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારનું અનુમાન છે કે આ ગ્રીન સેસની મદદથી રાજ્ય સરકારને દર વર્ષે આશલે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાની આવક થશે. ગ્રીન સેસની વસુલાત માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે ટુ વ્હીલર, ઇલેક્ટ્રિક વાહનો, સીએનજી વાહનો, સરકારી વાહનો, એમ્બ્યુલંસ, ફાયર બ્રિગેડ વગેરે વાહનોને આ ટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે. જો કોઇ વાહન ૨૪ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરશે તો તેને ફરી આ ગ્રીન સેસ નહીં આપવો પડે.

