જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સમય બદલાતાં વાર નથી લાગતી. હજુ દોઢ બે વર્ષ પહેલા લોકડાઉન અને કોવીડ-19ની પહેલી, બીજી લહેર વખતે શહેરોમાં વસતા લોકો પરિવાર સમેત પોતાના વતન, ગામડાઓ તરફ હંગામી હિજરત કરી રહ્યા હતા કેમકે શહેરોમાં કોવીડના કેસો અતિશય વધી રહ્યા હતા. એ સમયે ગામડાઓમાં કેટલાક બની બેઠેલા નેતાઓએ આગેવાની લઇને શહેરોમાં વસતા પોતાના જ ગામવાસીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને તાયફાઓ કર્યા હતા. શહેરોવાળા ગામડાઓમાં કોરોના ઘૂસાડશે એવી દહેશત વ્યક્ત કરીને ગામડાઓના બની બેઠેલા નેતાઓએ શહેરમાં વસતા પોતાન જ ગામવાળાઓને તેમના ઘરો સુધી જતા રોક્યા હતા.
સમય અને પરિસ્થિતિ એવી બદલાય છે કે લોકડાઉન અને બીજી લહેર વખતે જે લોકો ગામમાં નો એન્ટ્રી કરીને બેઠા હતા, શહેરોમાં વસતા પોતાના ગામવાસીઓને ઘૂસવા દેતા ન હતા એ જ લોકો આગામી રવિવારે યોજાઇ રહેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોઇ, શહેરોવાળાના વોટ લેવા માટે તેમના ઘરોએ આંટાફેરા કરી રહ્યા છે. શહેરોમાં વસતિ ગામવાળાઓના મોભીઓ રાત્રે 9 વાગ્યે ઘરે આવે તો કલાક પછી એટલે કે રાત્રે 10 વાગ્યે પણ મત માગવા માટે શહેરોવાળા ગામવાસીઓના ઘરોના બારણે ટકોરા મારી રહ્યા છે.
આ મુદ્દે હાલ સોશ્યલ મિડીયામાં પણ એટલી બધી પોસ્ટ વાઇરલ થઇ રહી છે કે ચૂંટણીમાં આ મુદ્દો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય તેમ છે.

ચૂંટણી ગામડાની છે પણ વોટબેંક શહેરી વિસ્તારોમાં છે
ગુજરાતની ગ્રામ પંચાયતોમાં યોજાઇ રહેલી ચૂંટણીની મોટી મતબેંકો શહેરી વિસ્તારોમાં છે. ખાસ કરીને શહેરોની ફરતે આવેલા ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે ગામના દરેક ઘરોમાંથી સિનિયર સિટીઝનોને બાદ કરતા બાકીના તમામ ઘરના સભ્યો શહેરોમાં વસાવેલા ઘરોમાં જ રહે છે. આથી હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કેન્વાસિંગ શહેરી વિસ્તારોમાં જ વધારે જોવા મળે છે. શહેરોની સમીપ આવેલા ગામડાઓ અત્યંત સમૃદ્ધ એટલે પણ મનાય છે કે ત્યાં જમીનોના ભાવો સાતમે આસમાને આંબી રહ્યા છે અને તેમાં પણ સરપંચ જેવી પોસ્ટનું મહત્વ વધી ગયું છે આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કે જે કોઇપણ પ્રકારના રાજકીય સિમ્બોલ વગર લડાઇ રહી છે છતાં તેમાં પ્રચાર તો રાજકીય ચૂંટણીઓને ઝાંખો પાડે તેવો થઇ રહ્યો છે.