
લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા
યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.
નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.
નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.
ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.
મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.
જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત
કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.