માલેતુજાર પરીવારોના માબાપોએ પણ મોટાઇ મારવા નીકળેલા વિદ્યાર્થીઓને ના રોક્યા
સુરત સમેત સમગ્ર ગુજરાતના સોશ્યલ મિડીયા સર્કલમાં સુરતની ફાઉન્ટેન હેડ સ્કુલના ધો.12ના વિદ્યાર્થીઓ દ્વારા લક્ઝરીયસ કારોના કાફલા સાથે મોટાઇ મારવાનો વિડીયો ભારે વાઇરલ થયો છે. ચોમેરથી ટીકાઓ થતાં પોલિસ પણ હરકતમાં આવી છે અને પોલીસે માલેતુજારના નબીરાઓએ જો ટ્રાફિકના નિયમનો ક્યાંય ભંગ કર્યો હશે તો કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
સ્વાભાવિક છે કે ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થિની ઉંમર 17 વર્ષની હોય, આથી ફાઉન્ટેન હેડ સ્કુલના એકેય વિદ્યાર્થી પાસે ફોરવ્હીલ વાહન હંકારવાનું લાઇસન્સ ના હોય. આમ છતાં માલેતુજાર નબીરાઓ મોટાઇ મારવાના ઇરાદે પોતાના પરીવારની લકઝરીયસ કારો લઇને નીકળી પડ્યા અને તેમના માબાપોએ પણ તેમને રોક્યા નહીં.
વિડીયો પરથી જોવા-જાણવા મળે છે કે મોટા ભાગની કાર નબીરાઓ ચલાવી રહ્યા હતા, આમ છતાં પોલિસની કાર્યવાહી થવાની બીકે હવે તમામે કાર ડ્રાઇવર ચલાવતા હોવાની સ્ટોરીઓ વહેતી કરવા માંડી છે. જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવાનો સંગીન મામલો બને છે.
હકીકતમાં ફાઉન્ટેન હેડ સ્કુલની ફી એટલી બધી છે કે માલુતજારોના સંતાનો જ અહીં ભણી શકે છે એટલા સ્વાભાવિક છે કે ખાધેપીધે સુખી પરીવારોના બાળકો અહીં ભણે છે અને તેમના પરીવારમાં લક્ઝરીયસ કાર હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ, જે રીતે કહેવાતી આઇ.બી. બોર્ડની સ્કુલના વિદ્યાર્થીઓએ છીછરાપટ્ટી અને મોટાઇ મારવા કે દેખાડો કરવા માટે વિડીયો વાઇરલ કર્યા એના પરથી સ્કુલની કેળવણી સામે પણ સોશ્યલ મિડીયા યુઝર્સે સવાલો ઉઠાવ્યા છે.