
નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2025-26 ના બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમને વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે. KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025 માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું, ‘આવકવેરાના મામલે એ વાત પર ભાર મૂક્યો છે કે, પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો. નવો આવકવેરા કાયદો આવતાં અઠવાડિયે આવી જશે. વીમા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે.’ તેના કારણે વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી મળતી સંપૂર્ણ પ્રીમિયમ રકમ ભારતમાં જ રોકાણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જન વિશ્વાસ બિલ 2.0 હેઠળ 100 થી વધુ જોગવાઈઓને ગુનાના દાયરામાંથી હટાવવામાં આવશે.
વીમા કંપનીઓ આગામી કેન્દ્રીય બજેટમાં ખરીદદારોને કર લાભ અને પોલિસી વેચવા માટે પ્રોત્સાહનો માંગી રહી હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) પ્રમાણે દેશમાં વીમાનો વ્યાપ 2023-24માં 3.7 ટકા રહેશે, જે 2022-23માં 4 ટકા હતો.
જીવન વીમા ઉદ્યોગનો વિસ્તરણ 2023-24 દરમિયાન પાછલા વર્ષના 3 ટકાથી થોડો ઘટીને 2.8 ટકા થયો. તેમજ બિન-જીવન વીમા ઉદ્યોગના મામલે આ આંકડો 2023-24 દરમિયાન 2022-23 જેટલો 1 ટકા રહ્યો હતો.
અગાઉના સ્વિસ રીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત 2025-29 દરમિયાન સરેરાશ 7.3 ટકાના પ્રીમિયમ વૃદ્ધિ સાથે G-20માં અગ્રણી રહેશે અને જૂથમાં સૌથી ઝડપથી વિકસતું વીમા બજાર બનશે.
બજેટથી અપેક્ષાઓ પર બોલતા ICRA લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ નેહા પરીખે કહ્યું કે, જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની નબળી સોલ્વન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના પુનઃમૂડીકરણ માટે બજેટમાં ફાળવણીની જાહેરાત પોઝિટિવ રહેશે.