
ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.
ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.
ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.
નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.
હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.
CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.
આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.
અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.
CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.
મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.
નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.
DGCAની એડવાઇઝરી
રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.

