CIA ALERT

EC Extends SIR timelimit Archives - CIA Live

December 1, 2025
sir-extended.png
1min57

  • ચૂંટણી પંચે ‘સર’ની સમય મર્યાદા લંબાવી, 11મી સુધી ફોર્મ ભરી શકાશે
  • 16 ડિસે.એ ડ્રાફ્ટ રોલ, 14 ફેબુ્ર.એ અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

દેશના ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની ‘ટૂંકી ટાઈમલાઈન’ના કારણે જનતા અને જમીન પરના ચૂંટણી કર્મચારીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી હોવાના વિપક્ષના આક્ષેપોના પગલે ચૂંટણી પંચે ‘સર’ કાર્યક્રમની સમય મર્યાદા એક સપ્તાહ માટે લંબાવી છે. હવે મતદારો ૧૧મી ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે તથા અંતિમ મતદાર યાદી ૧૪ ફેબુ્રઆરીએ જાહેર કરાશે. દરમિયાન રવિવારે રાજસ્થાન-ઉત્તર પ્રદેશમાં ત્રણ બીએલઓનાં મોત થયા હતા.

ચૂંટણી પંચે બિહાર પછી હવે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ શરૂ કર્યો છે, જેનો પહેલો તબક્કો ચાર ડિસેમ્બરે પૂરો થવાનો હતો. જોકે, સરની કામગીરીના બોજ અને અનેક પ્રકારની જટીલતાઓના કારણે વ્યાપક સમસ્યાઓ ઊભી થઈ રહી છે તથા કામના બોજથી બીએલઓનાં મોત થઈ રહ્યા છે અથવા તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવા વિપક્ષના આક્ષેપોના કારણે ચૂંટણી પંચે રવિવારે ‘સર’ની ટાઈમલાઈન સાત દિવસ લંબાવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, હવે સરનો પહેલો તબક્કો જે ૪ ડિસેમ્બરે પૂરો થવાનો હતો તે ૧૧ ડિસેમ્બરે પૂરો થશે. એટલે કે મતદારો ૧૧ ડિસેમ્બર સુધી તેમના ફોર્મ ભરી શકશે. ચૂંટણી પંચે જાહેર કરેલી નોટિસ મુજબ પુનરીક્ષણ પછી મતદાર યાદીનો મુસદ્દો ૧૬ ડિસેમ્બરે પ્રકાશિત કરાશે અને અંતિમ મતદારા યાદી હવે ૧૪ ફેબુ્રઆરીએ પ્રકાશિત કરાશે. મતદારો ૧૧ ડિસેમ્બરે ફોર્મ ભરીને આપે પછી ૧૨થી ૧૫ ડિસેમ્બર વચ્ચે કંટ્રોલ ટેબલ તૈયાર કરાશે.

ચૂંટણી પંચે કહ્યું કે, આ સમયમાં બધા જ ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારોની કાચી યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ તૈયાર કરાશે. મતદારો તેમના વાંધા ૧૬ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે નોંધાવી શકશે. આ સમયમાં મતદારોના જવાબ મેળવાશે. ૧૦ ફેબુ્રઆરીએ બધા જ માપદંડો પર મતદાર યાદીના ડ્રાફ્ટ રોલની ચકાસણી થશે. ત્યાર પછી ૧૪ ફેબુ્રઆરીએ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરાશે.

મતદાર યાદી સુધારણા માટે એસઆઈઆરનું કામ કરી રહેલા બીએલઓ પર કામનું વધુ દબાણ હોવાના અહેવાલો વચ્ચે ચૂંટણી પંચે બીએલઓનું માનદ વેતન રૂ. ૬,૦૦૦થી વધારીને રૂ. ૧૨,૦૦૦ તેમજ બીએલઓ સુપરવાઈઝરનું ભથ્થું રૂ. ૧૨,૦૦૦થી વધારીને રૂ. ૧૮,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને બીએલઓ અને સુપરવાઈઝરને સુધારેલા ભથ્થાંની ચૂકવણી તાત્કાલિક અસરથી કરવા નિર્દેશ આપ્યા છે.

દરમિયાન રાજસ્થાનના ધોલપુરમાં બીએલઓની કામગીરી કરતા ૪૨ વર્ષના અનુજ ગર્ગ શનિવારે મોડી રાતે મતદારોનો ડેટા અપલોડ કરતી વખતે તેમના જ ઘરમાં ફસડાઈ પડયા હતા અને તેમનું નિધન થયું હતું.

પરિવારનો દાવો છે કે એસઆઈઆરની કામગીરીના અત્યાધિક બોજના કારણે તેમનું મોત થયું છે. એજ રીતે ઉત્તર પ્રદેશના બિજનૌરમાં ધામપુર વિસ્તારમાં બીએલઓ ૫૬ વર્ષીય શોભારાનીનું કાર્ડિઆક અરેસ્ટના કારણે મોત થયું હતું. તેમના પરિવારે પણ બીએલઓની કામગીરીનો અત્યાધિક બોજ હોવાનો દાવો કર્યો હતો. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ૪૬ વર્ષના બીએલઓ સર્વેશ સિંહે આત્મહત્યા કરી લીધી હતી. ચાર પુત્રીઓના પિતા સર્વેશ સિંહે સુસાઈડ નોટમાં દાવો કર્યો હતો કે તેમને એસઆઈઆરની કામગીરી માટે પર્યાપ્ત સમય આપવામાં આવ્યો નહોતો.

બીએલઓને ટાઈગર સફારી, હેલિકોપ્ટર જોય રાઈડનું ઈનામ!

ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘સર’ની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેની જવાબદારી બીએલઓને સોંપાઈ છે. બીએલઓ પર કામનું અત્યાધિક દબાણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મધ્ય પ્રદેશમાં નિશ્ચિત સમય મર્યાદા કરતાં વહેલા કામગીરી પૂરી કરનારા ‘સુપર બીએલઓ’ ટાઈગર સફારી, મુવી ટિકિટ અને હેલિકોપ્ટર રાઈડ જેવા શાનદાર ઈનામો મેળવી રહ્યા છે.

મધ્ય પ્રદેશના જબલપુરની સ્નેહલતા પટેલે તેમનાં કાર્યક્ષેત્રના તમામ બૂથોનું ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન પૂરું કરતાં પહેલા બીએલઓ સુપરવાઈઝર બન્યા હતા. તેમણે પનાગર વિધાનસભા ક્ષેત્રના ૭,૭૦૬ મતદારોના ફોર્મ સમય પહેલાં અપલોડ કરી દેતા તેમને પીએમ શ્રી હેલી પ્રવાસન સેવાના માધ્યમથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ કાન્હા અને બાંધવગઢનો હવાઈ પ્રવાસ કરાવાયો હતો. એ જ રીતે રીવા જિલ્લામાં ૧૨ બીએલઓએ સમય પહેલાં કામગીરી પૂરી કરતાં તેમને પરિવાર સાથે વ્હાઈટ ટાઈગર સફારી મુકુંદપુર અને ફિલ્મ ટિકિટના ઈનામ અપાયા હતા.