
સરકારે પહેલીજ વખત કોઈ પણ વિદ્યાર્થીને સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ ભણવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તોયે સાથે ભણી શકે, એવી જાહેરાત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન એમ. જગદીશકુમારે કરી હતી. કમિશન તરફથી આ બાબતે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એમ. જગદીશકુમારે Dt. 12/4/22, મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ આપવાના ઉદ્દેશથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે. વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.