૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૮-૧૯માં ભાજપને રૃ. ૭૪૦ કરોડ અને કોંગ્રેસને રૃ. ૧૪૬ કરોડ નું દાન મળ્યું હતું
કોંગ્રેસને રૃ. ૨૮૧ કરોડનું દાન મળ્યું ઃ ચૂંટણી પંચ
દેશના શાસક પક્ષ ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૬૦૪.૭૪ કરોડ રૃપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને ૨૮૧.૩૮ કરોડ રૃપિયા દાનમાં મળ્યા છે તેમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ડોનેશનના આ આંકડા એક એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૭૪૦ કરોડ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૧૪૬ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસ બંનેને સૌથી વધારે ડોનેશન પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યું છે. જેણે ભાજપને ૭૨૩ કરોડ રૃપિયા અને કોંગ્રેસને ૧૫૬ કરોડ રૃપિયા આપ્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ૨૦૨૩-૨૪માં ભાજપને લગભગ ૩૩ ટકા અને કોંગ્રેસને ૫૦ ટકાથી વધુ દાનની રકમ પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપી હતી.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા દાનની રકમમાં ઇલેકટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.
માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ)ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૦૬ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીઆઇ-એમને ૭.૬૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ઉત્તર પૂર્વના એક માત્ર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને દાનમાં ૧૪.૮૫ લાખ રૃપિયા મળ્યા છે.
કોંગ્રેસને ૧.૩૮ લાખ રૃપિયાની એવી દાનની રકમ પ્રાપ્ત થઇ છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ અને દિગ્વિજય સિંહ સહિતના ટોચના નેતાઓ પાસેથી મળેલ દાન પણ સામેલ છે.