જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતના એરપોર્ટ નજીક આકાર પામી રહેલા સુરત હિરા બુર્સનો હજુ તો આરંભ થયો નથી એ પહેલા જ કારભારીઓની અણઆવડતને કારણે સુરત ડાયમંડ બુર્સ મોટા વિવાદમાં સપડાય રહી છે. સુરત હિરા બુર્સને ધમધમતું કરવા માટે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ લાખાણીના નામે એક સરક્યુલર ઇશ્યુ કરવામાં આવ્યો હતો અને તેમાં મુંબઇના ભારત ડાયમંડ બુર્સમાંથી ધંધો બંધ કરીને સુરત શિફ્ટ થનારા હીરા ઉધોગકારોને કેટલીક લલચામણી ઓફર આપવામાં આવી હતી. મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની એવી પ્રતિષ્ઠા ખરડાઇ છે કે લોકો એવું કહી રહ્યા છે કે હજુ તો સુરત ડાયમંડ બુર્સ શરૂ થયું નથી ને આવી હરકતો કરે છે જો આ ડાયમંડ બુર્સ સેટ થઇ જશે પછી તો સુરત ડાયમંડ બુર્સવાળા ઝાલ્યા નહીં ઝલાય.

સુરત હીરા બુર્સના કેટલાક કારભારીઓનો આ મોટો દાવ હતો પણ હવે એટલે આ દાવ ખોટો પડ્યો છે કેમકે મામલો ગુજરાત હિરા બુર્સ અને શિવસેના સુધી પહોંચી ચૂક્યો છે. મુંબઇ સ્થિત ભારત હિરા બુર્સના આગેવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સુરત ડાયમંડ બુર્સને અમે ભાઇ ગણ્યો હતો પણ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટની હરકતો જોતા એ હવે ભારત પાકિસ્તાન જેવો કટ્ટરવાદ ફેલાવી રહી છે. સુરત ડાયમંડ બુર્સના કારભારીઓની અણઆવડતને કારણે આ સમગ્ર વિવાદ હવે રાજકીય સ્વરૂપ પકડી રહ્યો છે.
મુંબઇના હિરા બુર્સનું કામકાજ સંકેલીને કોઇ સુરત જાય એ વાતમાં માલ નથી
મુંબઇ સ્થિત ભારત હીરા બુર્સના અગ્રણીનું કહેવું છે કે સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટનો સરક્યુલર મોટી નાદાની સમાન છે. મુંબઇમાં ભારત ડાયમંડ બુર્સ કયા લેવલ પર કામ કરે છે તેની જરાય માહિતી હોત તો આવો સરક્યુલર કાઢવાની કોઇએ કલ્પના કરી ના હોત પરંતુ, એ વાત હકીકત છે કે સુરત ડાયમંડ બુર્સનું કામકાજ સંકેલીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ જાય એ વાતમાં માલ નથી. હા, એવું જરૂર બને કે મુંબઇના હીરા ઉદ્યોગપતિઓ સુરત ડાયમંડ બુર્સમાં બ્રાન્ચ કે બીજા નામથી ધંધો શરૂ કરે. કેટલાક લોકો જેને મુબઇમાં ફાવટ નથી અથવા નિષ્ફળ નિવડ્યા હોય તેઓ સુરત જાય એ સ્વાભાવિક છે.
સુરત ડાયમંડ બુર્સના સરક્યુલરથી ખોટો મેસેજ ગયો હવે ખુલાસા કરતા થઇ ગયા છે
મુંબઇના હીરા બુર્સમાં કામકાજ કરતા રજનીકાંતભાઇએ જણાવ્યું કે મુંબઇના ભારત હીરા બુર્સ સાથે સરખામણી કરીને જ સુરત ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે એટલી મોટી ભૂલ કરી દીધી છે કે હવે પોતાની ઇમેજ ક્લીયર કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ખુલાસા કરતા થઇ ગયા છે. ભારત હીરા બુર્સ કેટલા વર્ષથી, કયા લેવલ પર કામ કરે છે, ભારત હીરા બુર્સમાં એક ટેબલ જેટલી જગ્યા લેવામાં સુરત હીરા બુર્સની કેટલી જગ્યા મળી જાય એનો જો ખ્યાલ હોત તો સુરતના હીરા બુર્સવાળાઓએ ખોટો દાવ રમવાની હિંમત ના કરી હોત.
સુરતનાને સુરતના જ ઉધોગપતિઓ હશે સુરત ડાયમંડ બુર્સમાં
ભારત હીરા બુર્સના જાણકારો કહે છે કે સુરતમાં બની રહેલા હીરા બુર્સમાં સુરતના ને સુરતના જ હીરા ઉદ્યોગપતિઓની ઓફિસો હશે. હાલમાં સુરતના ઉદ્યોગપતિઓ મુંબઇ અને વિદેશોમાં પણ ઓફિસ ધરાવે છે એમ હવે તેમની એક બ્રાન્ચ સુરત ડાયમંડ બુર્સમાં હશે. બાકી મુંબઇના ભારત ડાયમંડ બુર્સનું કામકાજ છોડીને કોઇ સફળ વ્યક્તિ સુરત આવે તેવું માનવું ભૂલ ભરેલું છે. સુરત ડાયમંડ બુર્સવાળાએ સમજવું જોઇએ કે એક વખત પ્રોજેક્ટ શરૂ થઇ ગયાના પાંચ સાત વર્ષ બાદ તેમને ખ્યાલ આવશે કે પ્રોજેક્ટ કયા રસ્તે જઇ રહ્યો છે.
મુંબઇ મીડ-ડેના અહેવાલે હીરા ઉદ્યોગમાં ભારે હલચલ મચાવી

સુરત ડાયમંડ બુર્સવાળાની હરકત અશોભનીય છે
ભારત ડાયમન્ડ બુર્સ (બીડીબી)ના ટ્રેઝરર અનુપ ઝવેરીએ સુરત ડાયમન્ડ બુર્સના સરક્યુલર વિશે મુંબઇના ‘મિડ-ડે’ અખબારને કહ્યું હતું કે ‘આ જરાય વાજબી નથી. વ્યાપારી માણસ આવું કરે નહીં. આવું તો ઝઘડાળુ વ્યક્તિ જ કરી શકે. તેમનું વર્તન વેપારીને શોભે એવું નથી.’ અહીંના વેપારીઓને રોકવા માટે આપણે કોઈ ઑફર કરવાના છીએ કે કોઈ સવલત આપવાના છીએ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે કોઈને રોકવાના નથી. જેમને અહીં ફાવે તેઓ અહીં કામ કરે અને જેમને ત્યાં ફાવે તેઓ ત્યાં કામ કરે. લોકો આખી દુનિયામાં અલગ-અલગ જગ્યાએ કામ કરે જ છે. અત્યાર સુધી અમે તો સુરત ડાયમન્ડ બુર્સને અમારો ભાઈ જ માનતા હતા કે ચાલો, અહીં પણ કામ થશે અને ત્યાં પણ કામ થશે. પણ હવે એ લોકો ભારત-પાકિસ્તાન કરી રહ્યા છે.’ આ મુદ્દા પર બીડીબી કોઈ ઍક્શન લેવાનું વિચારી રહી છે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આપણે વેપારી છીએ. આપણે વેપાર પર ધ્યાન આપવાનું હોય, ઝઘડામાં નહીં.’