
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.