CIA ALERT

Delhi AQI Crosses 450 Mark Archives - CIA Live

December 16, 2025
image-12.png
1min24

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.