CIA ALERT

Cyber fraud Archives - CIA Live

January 18, 2025
sanchar-saathi.jpg
1min117

ટેલિકોમ વિભાગે સાયબર ફ્રોડને રોકવા માટે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફત મોબાઈલ પરથી ઓનલાઈન ફ્રોડ સંબંધિત છેતરપિંડીથી લઈને ફોન ગૂમ થવા મુદ્દે ફરિયાદ દાખલ કરી શકાશે, એમ સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ નાણાકીય વ્યવહાર આખી દુનિયામાં સૌથી વધુ ક્યાંય થયો હોય તો તે આપણું ભારત છે, પરંતુ જેમ જેમ લોકો ડિજિટલ વ્યવહારો કરવા લાગ્યા છે તેમતેમ છેતરપિંડી પણ વધવા લાગી છે. મધ્યમવર્ગના માનવી તો આવી છેતરપિંડીમાં આખી જિંદગીની કમાણી ગુમાવી બેસે છે. આજકાલ ‘ડિજિટલ અરેસ્ટ’ અને તેના જેવા અનેક ‘સાયબર ફ્રોડ’ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા હોવાની ફરિયાદો વધી જતાં સરકારે પણ તેના પર લગામ તાણવા માટે નક્કર તૈયારીઓ કરી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ લોકોની સુવિધા માટે ‘સંચાર સાથી’ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા ઓનલાઈન છેતરપિંડીથી લઈને ફોન ખોવાઈ જવા સુધીની ફરિયાદો મોબાઈલ પર જ નોંધાવી શકાય છે. આ એપ લોન્ચ થવાથી રિપોર્ટિંગની પ્રક્રિયા સરળ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે અગાઉ ફોન ચોરી અને નકલી કોલની ફરિયાદ કરવા માટે સંચાર સાથીની વેબસાઈટ પર જવું પડતું હતું. જો કે હવે મોબાઈલ ફોન દ્વારા પણ જાણ કરી શકાશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંચાર સાથી એપના લોન્ચ દરમિયાન કહ્યું કે આ એપ દ્વારા દેશના લોકો સુરક્ષિત રહેશે અને ગુપ્તતા જળવાઈ રહેશે.

અન્ય કોઈ પણ એપની જેમ સંચાર સાથી પણ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકાય છે. આ એપ પર જઈને તમે જાણી શકો છો કે તમારા નામે કેટલા કનેક્શન ખોટી રીતે લેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તે કનેક્શન્સને બ્લોક પણ કરી શકાય છે. આ સિવાય એપ પર જઈને ફોન ખોવાઈ જવા કે ચોરાઈ જવાનો રિપોર્ટ નોંધાવી શકાય છે. આમાં ઉપકરણને ટ્રેક કરી શકાય છે તેમ જ ફેક મેસેજ અને કોલની ફરિયાદ પણ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે સંચાર સાથી પોર્ટલ બે વર્ષ પહેલા એટલે કે ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે એપ રજૂ કરવામાં આવી છે. વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત રાખી શકશે.