CIA ALERT

covid restrictions Archives - CIA Live

March 24, 2022
corona_restrictions.png
1min488

કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યામાં નહીંવત્ સંખ્યા અને ઘટતા જતા કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રના ગૃહ મંત્રાલયે કોવિડ નિયંત્રણ માટેના તમામ નિયમો અને નિયંત્રણો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ફક્ત સાર્વજનિક સ્થળે ફેસ માસ્ક પહેરવાનું અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવાનું ચાલુ રાખવાનું રહેશે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં રોગચાળો ફેલાતાં લૉકડાઉન અને કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરના જે નિયમો તથા સાર્વજનિક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા હતા, એ હટાવવામાં આવ્યા છે. આ બાબતનો પત્ર રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવ્યો છે. 

કોવિડ સંબંધી નિયંત્રણો રદ કરવાની જાહેરાત કરતા કેન્દ્ર સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ મહિનામાં રોગચાળા પર નિયંત્રણ માટે નોંધપાત્ર પ્રમાણમાં ક્ષમતા કેળવી શકાઈ છે. ડાયાગ્નોસ્ટિક્સ, સર્વેલન્સ, કૉન્ટૅક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વૅક્સિનેશન, 

હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બાબતોની સક્ષમતાને કારણે શક્તિ અને આક્રમકતાથી  રોગચાળાનો પ્રતિકાર કરી શકાયો હતો. હવે આ બીમારી વિશે લોકોમાં જાણકારી પણ વ્યાપક રીતે ફેલાઈ છે. રોગચાળા સંબંધી પરિસ્થિતિમાં એકંદરે સુધારો તેમજ રોગચાળાના પ્રતિકારની સરકારી તંત્રની સજ્જતા ધ્યાનમાં લેતાં નેશનલ ડિઝાસટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ કોવિડ નિયંત્રણ માટે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓનો અમલ ૩૧ માર્ચથી અમલમાં આવે એ રીતે રદ કરવામાં આવ્યો છે. કોવિડ નિયંત્રણ બાબતે હવે ગૃહ મંત્રાલય નવો હુકમ બહાર નહીં પાડે.

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૧૭૭૮ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક વધીને ૪,૩૦,૧૨,૭૪૯ થઈ ગયો હતો.  ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૬૨ જણનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો આંક વધીને ૫,૧૬,૬૦૫ થઈ ગયો હતો. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૮.૭૫ રહ્યો હતો. સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૪,૨૪,૭૩,૦૭૫ થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની વૅક્સિનના ૧૮૧.૮૯ કરોડ કરતા પણ વધુ ડૉઝ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કેન્દ્રે 23/3/22 સ્પષ્ટતા કરી હતી કે કોવિડ-૧૯ના દરદીઓમાં ઘટાડો થઇ રહ્યો હોવા છતાં ફેસ માસ્ક પહેરવાનું અને અવારનવાર હાથ ધોવાનું ચાલુ રાખવું પડશે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ફેસ માસ્ક પહેરવા અને હાથની સફાઇ રાખવા અગાઉ અપાયેલી સૂચનામાં કોઇ ફેરફાર નથી કરાયો. માસ્ક નહિ પહેરવાની છૂટ અપાઇ હોવાનું કહેતો મીડિયા અહેવાલ ખોટો છે.
કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સંબંધિત જાણકારી આપી હતી.