
સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.
મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો
ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.