શક્તિ ઉપાસના, શક્તિ સંચયના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજરોજ તા.2 એપ્રિલ 2022થી પ્રારંભ થયો છે. આ ઉપરાંત આજે મરાઠીઓના નવા વર્ષ ગૂડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોને ઘરેથી માતાની આરાધના કરવી પડી હતી. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતાં ચૈત્રિ નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી, અમદાવાદના નગરદેવી ભદ્રકાળીમાં સહિતના મંદિરોમાં વિશિષ્ટ અનુષ્ઠાન સહિત વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.
આજે વહેલી સવારથી માઇ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હોવાના અહેવાલો મળ્યા છે. હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ તુ, વસંત તુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રિને વધુ ફળદાયી માનવામાં આવી છે.
ચૈત્ર નવરાત્રિમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રિમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.
