CIA ALERT

Bhavani prasad agarwal Archives - CIA Live

August 21, 2023
Cia_business_news-1280x936.jpg
1min296

સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલે એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરને કરેલી રજૂઆતો બાદ સોલાર સંદર્ભે નવી ગાઇડલાઇન બહાર પડી

અત્યાર સુધી ગુજરાતમાં કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે સબસિડી આપવામાં આવતી ન હતી. ઉલ્ટાનું સરકારના કેટલાક અધિકારીઓ જોગવાઇનું મનસ્વી અર્થઘટન કરીને એવો હઠાગ્રહ રાખી રહ્યા હતા કે ઔદ્યોગિક એકમની પ્રીમાઇસમાં જ સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવે તો જ ઇન્સેન્ટીવ અપાશે. પરંતુ, રાજ્યના ચીફ એડિશનલ સેક્રેટરીની દરમિયાનગીરી બાદ ગઇ તા.18મી ઓગસ્ટે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવેથી રાજ્ય સરકાર રાજ્યમાં ગમે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરનાર ઔદ્યોગિક ગૃહોને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી ઔદ્યોગિક એકમોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ માટે એક પણ રૂપિયાની રાહત અપાતી ન હતી.

સોલાર પાવર ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલ અને અન્યોએ ગયા મહિને જ્યારે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર સુરત આવ્યા હતા ત્યારે તેમને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી કે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું ઇન્સેન્ટીવ કે રાહત અપાતી નથી. ઉલ્ટાનું કાયદાનું મનસ્વી અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે એસ.જે. હૈદરે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરીને નવી ગાઇડલાઇન ગઇ તા.18મી ઓગસ્ટના રોજ જાહેર કરાવડાવી હતી. જેમાં સ્પસ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો કોઇપણ ઔદ્યોગિક એકમ કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ હવે ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમકે  ઔદ્યોગિક એકમો જો પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપે તો રાજ્યમાં વીજ ઉત્પાદન પર ઘણો લોડ ઓછો કરી શકાય તેમ છે.

વાર્ષિક રૂ.5થી 7 લાખ સબસિડી 5 વર્ષ મળે

કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે તે વિસ્તારમાં સ્થાપનાર ઔદ્યોગિક એકમોને તેના મૂડીરોકાણ પર એરીયા બેઝ વર્ષે 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. જેમાં સૌથી બેકવર્ડ એરીયામાં જો પ્લાન્ટ નાંખવામાં આવે તો વર્ષે 7 ટકા, 7 વર્ષ સુધી અને રૂ.35 લાખ સુધી મળી શકે. જો સેમિ અર્બન એરીયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 6 ટકા 6 વર્ષ સુધી મહત્તમ રૂ.30 લાખ અને જો મ્યુનિસિપલ એરિયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 5 ટકા પાંચ વર્ષ સુધી મહત્તમ રૂ.25 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.

સુરતીમાં 1 મેગાવોટથી 10 મેગા વોટ સુધીના 25 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં

મળતી માહિતી મુજબ સુરતના અનેક ઉદ્યોગપતિઓ પોતાના વીજ વપરાશનું ભારણ ઘટાડવા માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારની એવી કોઇ નીતિ ન હતી કે જેમાં સોલા પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનમાં ઇન્સેન્ટીવ કે ઇન્ટરેસ્ટ સબસિડી કે અન્ય કોઇ રાહત મળતી હોય. પરંતુ, હવે તા.18મી ઓગસ્ટ 2023 બાદ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવેથી રાજ્યના ઔદ્યોગિક એકમોને પાવર પ્લાન્ટ માટે મોટી રકમની ઇન્ટરેસ્ટ સબસિડી મળે તેમ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકલા સુરતમાં જ 1 મેગા વોટથી લઇને 25 મેગા વોટના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેનું કામ હવે આગળ ધપશે.