
28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.
અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

